Saturday, February 14, 2015

સમજણ ની પેલે પાર.....

સમજણ ની પેલે પાર શું?સમજાવ તું હવે 
વર્ષો થી એકલો છું હું આવ તું હવે. 

અગાથ અંધાર હમણાં જો  ક્ષણ માં ખરી જશે 
ગુલાબી તેજ છું વસંતનું પ્રગટાવ તું હવે 

માધવ ગયા પછીયે મોરપીંછ  છે અહીં,
ખુશબો  છે રાધા નામની ફેલાવ તું હવે.

સદા ક્યાં છે જરૂરી  સનમ સંગાથ માં હોવું 
લાદી યાદ અઢળક  કાફલા  ચલાવ તું  હવે 

 અલિપ્ત ત્વચા સ્પર્શથી 'સપ્ત' ની સદા 
હળવે સાદ આવીને ગળે લગાવ તું હવે 

આ તારું ના ય હોવું મારે વિષય છે શ્રદ્ધાનો  
હરી  છે હાથ માં ધૂણીને  ધખાવ તું હવે 
                            -'સપ્ત' હિમાંશુ પરમાર  14/02/2015

Thursday, January 15, 2015

હું  મારી તરફ એ રીતે  પક્ષપાત રાખું છું 
રાખી શબ્દ મારા ને તમારી વાત રાખું છું

તમે પણ અમારી બંદગી ને દાદ દઈ શકો
કહે છે એ દિવસ ને રાત તો હું રાત રાખું છું 

ખરે જો ગાલ પરથી સો ખુલાસા આપવા પડશે 
ઘણા સંકેલી ને સાચવી હું જજબાત રાખું છું 

આ  તમારા તારા તેજે એને નિહાળી નહિ શકો 
સૂરજસમ એથી ઝળહળતો પ્રતાપ રાખું છું 

પગરવ કાબુમાં  રાખી ટકોરા બારણે દેજો 
છળ્યો છે ખૂબ અવાજે એટલે એકાંત રાખું છું 

અડી જો આ હથેળી 'સપ્ત'ની મારણ બની જશે 
હું મુઠ્ઠી બંધ માં જીવલેણ આઘાત રાખું છું   

                                         -'સપ્ત' હિમાંશુ 

Monday, December 30, 2013

સ્હેજ સ્પર્શો ને .....


સ્હેજ સ્પર્શો ને હથેળીમાંથી રણ વિસ્તરે 
શ્વાસો માં ભરી રેતી ને કણ કણ  વિસ્તરે 

ઉદાસી લાદી કોરા ઊંટો નો ચાલ્યો કાફલો 
કોઈ સ્મિત શી મળે ભીનાશ ને ઝરણ વિસ્તરે 

અડાબીડ વર્ષાભીનાં  જંગલ બધાં 
ધીમે પગલે પાનખર ના પગરણ  વિસ્તરે 

કેમે કરી કાબૂ  માં ના રાખી શકું 
તને જોઈ ને હૈયા ના હરણ વિસ્તરે 

ગોધૂલી એની ગગન લગ વ્યાપી ગઈ 
સમી સાંજે મારા એકાંત ના ધણ  વિસ્તરે 

મોઘમ ઈશારા તારા બહેતર કે મોઘમ રહે 
ના ચર્ચા આપણી લોકોમાં અકારણ વિસ્તરે 

ઉપેક્ષિત થઇ ને પણ પહોચી ગયો પાદર સુધી 
ચરણ સુધી બને કે એનું આંગણ વિસ્તરે 
 
તમે પોઢો  લઇને  ગાઢ પીંછાં આંખ માં 
સવારે લઇ ગુલાબી યાદ પાંપણ વિસ્તરે 

                         -'સપ્ત' હિમાંશુ પરમાર 

Monday, August 12, 2013

ભરું શ્વાસ ને ભાર ચઢે



                                                                                  


ભરું શ્વાસ ને ભાર ચઢે 
કોરી આંખ મલ્હાર ચઢે 

મૌન કંતાયું મન માં ઝીણું
જાણે રેંટીયે તાર ચઢે 

જીવ મારો માટીનો લોંદો 
હર ચક્કર આકાર ચઢે 

મહેંદી તારે હાથ સનમને 
મારે લોહી નિખાર ચઢે 

શ્વાસ ઉછીના માંગી લાવ્યા 
ક્ષણ વીતે ને ભાર ચઢે 

સ્થૂળ દેહ પડ્યો તળેટી 
ચિત્ત ચેતન ગીરનાર ચઢે 

પ્રથમ વધ હો આપણું મસ્તક 
જો 'સપ્ત' શબ્દ ને ધાર ચઢે

           -'સપ્ત' હિમાંશુ  

Monday, August 5, 2013

બીજું કશું નથી


ખોટા નિદાન તમામ છે  બીજું કશું નથી 
 દર્દ  નું કારણ નામ છે બીજું કશું નથી 

લાખો મળીને એને મિટાવી  નહિ શકે 
મારે એક એનું કામ છે બીજું કશું નથી 

જવાથી કોઈના ક્યાં  અટકી છે જિંદગી
ક્ષણ બે સમય વિરામ છે બીજું કશું નથી  

હમદર્દ દૂર ના તમે સદાય દૂર રહો 
તને દૂર થી સલામ છે બીજું કશું નથી 

ચાહો તો જડ  ત્વચા સાતેય ચીરી જુઓ 
 હૈયે હજીયે રામ છે બીજું કશું નથી 

---- 'સપ્ત'

Wednesday, July 24, 2013

એકાંત




આ દેહમાંથી ઝાકળ ઓસરતું નથી ને, ના પાંપણ થી વિસરે  ભીનાશ 
સુના ભટ્ઠ કોઠામાં સાત ભવ કાઢ્યા તોય આંખે ના ભાળ્યો ઉજાશ 

કોરાકટ આભ થી ખરતા ટહૂકા ને,
          ખોબો  ધરીને અમે ઝીલ્યા 
શમણા માં આવી તમે સ્પર્શ્યા એવા કે 
        અમે આષાઢી મોર થઇ ખીલ્યા  

મ્હોરવાની આશાએ રોજ રોજ  કરમાતો  મનમોસમ નો પલાશ 

ઘૂંટડે ઘૂંટડે અંધારા પીધા ને 
સૂના ખૂણામાં પાળ્યા એકાંત 
વખ જેમ જીવતર માં  સ્મરણો ઘોળ્યા 
ને હવે શોધી ના મળતી નિરાંત 

કેટલુંય મનાવ્યું તોય માનતું નથી નજાણે કોણ બેઠું થઇને  નિરાશ 


'સપ્ત' - હિમાંશુ  

  
                         

Monday, July 15, 2013

સડક પર ...

 એક સવાર,
સડક ની સામે પાર.
કાર ના અધખુલ્લા કાચ ની પાછળ.                       
એક આછો ચહેરો જીવતો થયો .  
એક લખલખું નખશિખ વહી ગયું ને,
છાતીને ખૂણે ધરબી દીધેલો સમય જીવતો થયો . 
અભાવો નું એક નિર્જીવ વર્ષ જીવતું થયું .
સ્તબ્ધ આંખો સ્મરણ ના અવશેષો સાથે ખોડાઈ ને,
તને પાછા વળી ને  જોવાની ટેવ જીવતી થઇ.
આખુયે વાતાવરણ ઓગળી ગયું મીણ થઇ,         
 જ્યાં મારું શુષ્ક મન સળગી ઉઠ્યું.
એક માણસ જીવતો થયો .
ક્ષણ ભર, 
સડક પર!
       
           -'સપ્ત' હિમાંશુ