Wednesday, July 24, 2013

એકાંત




આ દેહમાંથી ઝાકળ ઓસરતું નથી ને, ના પાંપણ થી વિસરે  ભીનાશ 
સુના ભટ્ઠ કોઠામાં સાત ભવ કાઢ્યા તોય આંખે ના ભાળ્યો ઉજાશ 

કોરાકટ આભ થી ખરતા ટહૂકા ને,
          ખોબો  ધરીને અમે ઝીલ્યા 
શમણા માં આવી તમે સ્પર્શ્યા એવા કે 
        અમે આષાઢી મોર થઇ ખીલ્યા  

મ્હોરવાની આશાએ રોજ રોજ  કરમાતો  મનમોસમ નો પલાશ 

ઘૂંટડે ઘૂંટડે અંધારા પીધા ને 
સૂના ખૂણામાં પાળ્યા એકાંત 
વખ જેમ જીવતર માં  સ્મરણો ઘોળ્યા 
ને હવે શોધી ના મળતી નિરાંત 

કેટલુંય મનાવ્યું તોય માનતું નથી નજાણે કોણ બેઠું થઇને  નિરાશ 


'સપ્ત' - હિમાંશુ